image

Publisher’s Desk

ભય ના ભગવાન/ પ્રેમ ના ભગવાન

______________________

પ્રેમ એ આરાધનાનો પાયો છે જે હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયમાં જોવા મળે છે, એ ભક્તિયોગ દ્વારા પોતાના ઈષ્ટદેવ પ્રતિ વ્યક્ત થાય છે.

______________________

સતગુરુ બોધીનાથ વેલનસ્વામી

Read this article in:
English |
Hindi |
Tamil |
Gujarati |
Spanish |
Russian |
Marathi |

મારી તાજેતરની બોધપાઠ આપતી યાત્રા દરમીયાન હું રવિન્દ્રનને મળ્યો, જેનો ઉછેર ભારતમાં થયો હતો પરંતુ તે પશ્ચિમમાં ઘણા વર્ષોથી રહે છે. એ પોતાની કેટલીક માન્યતાઓ જે તેણે પોતાના ઉછેર દરમીયાન શીખી હતી તે પ્રત્યે ઘણા લાંબા સમયથી પ્રશ્નોની પકડમાં જણાયો. તેણે જણાવ્યું કે તેના પ્રદેશના હિન્દુઓને એવો ભય હતો કે જો તેઓ નિયમિત રીતે અને સારી રીતે ગામના દેવોને રીઝવે નહીં તો એ દેવો અને દેવીઓ નારાજ થઈ જાય અને તેના થકી તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે. આમ, તેઓ વિવિધ દેવ-દેવીઓ જેમની આરાધના પેઢીઓથી થતી આવી છે તેમણે શાંત પાડવામાં વ્યસ્ત રહેતા. આ પ્રકારની આરાધના નું મૂળ ભય છે, ખાસ કરીને જો આપણે આપણી રોજિંદી ધાર્મિક ફરજ ચૂકીએ તો તેની સજા ભોગવવી પડશે, અથવા આપણે કોઈક રીતે દુ:ખ ભોગવવું પડશે તે માન્યતામાં.

મેં રવિન્દ્રન ને ખાત્રી આપી કે હિન્દુ ધર્મના દેવો એ ક્રોધ, દુ:ખ પહોંચાડવાની, સજા કરવાની, બદલો લેવાની કે નિંદા કરવાની માનસિકતા નથી ધરાવતા. તેઓ પ્રેમ અને પ્રકાશનું અસ્તિત્વ ધરાવે છે, આપણા બધા પર સતત આશીર્વાદ વરસાવે છે, આપણી નિષ્ફળતા, નબળાઈઑ અને ઉપેક્ષા પર ધ્યાન આપ્યા વગર. આ મુળભુત પાયાની માન્યતા થકી હિન્દુ ધર્મ પ્રેમમાં ડૂબેલો ધર્મ છે જેમાં કોઈએ ક્યારેય ઈશ્વરનો ભય રાખવાની જરૂર નથી, ક્યારેય એ વાતની ચિંતા કરવાની જરૂર નથી કે જો આપણે સારી રીતે પૂજા પાઠ ન કરીએ તો ઈશ્વર નારાજ થશે કે બરાબર સજા આપશે. આરાધના એ એના ઉન્નત તાત્પર્થ પ્રમાણે એક પ્રેમનું વહેતું વલણ છે. ઈશ્વર પ્રેમ છે અને પ્રેમ સિવાય કશું નથી.

મારા ગુરૂદેવ, સિવાય સુબ્રમુન્યસ્વામી એ દ્રઢતાથી કહ્યું: “હિન્દુ ધર્મ એ એવો આનંદી ધર્મ છે જે પશ્ચિમના ધર્મોમાં પ્રચલિત છે તેવા માનસિક બોજાઓથી છુટકારો આપે છે. તે વેર લેવાની વૃત્તિ વાળા ઈશ્વરની માન્યતાથી મુક્ત છે. તે કાયમી દુ:ખ ભોગવવાની માન્યતાથી મુક્ત છે. તે મુળભુત પાપની માન્યતાથી મુક્ત છે. તે એક માત્ર આધ્યાત્મિક પંથ, એક માત્ર માર્ગ એ માન્યતાથી મુક્ત છે.”

રવિન્દ્રણે મને વિશેષમાં તેના ગામની માન્યતા વિશે કહ્યું. જ્યારે નકારાત્મક ઘટનાઓ ઘટી, જેમ કે બાળકનું મૃત્યુ, પૂર કે અચાનક બીમારી, વડીલો એ વિષે વિચારતા કે ફરજીયાત ધાર્મિક વિધિઓમાં કોઈ ભૂલ થઈ હશે, જેથી ઈશ્વર તેમને પૂજાના કોઈક પાસામાં બેદરકારી બતાવવા માટે સજા આપી રહ્યા છે. તેણે આશા રાખી કે ઈશ્વરના મૂળ સ્વરૂપની સારી સમજણ આવી અંધશ્રદ્ધા ઉપર પ્રભુત્વ મેળવી શકે.

હિન્દુ તત્વજ્ઞાન શીખવે છે કે આપણા જીવનમાં ઘટતી બધી ઘટનાઓ, એ સારી કે ખોટી હોય, એ આપણા પૂર્વજન્મોમાં કરેલા કર્મોના લીધે છે. માનસિક પીડા કે દુર્દશા એ આપણે જાતે નિર્માણ કરેલી ઘટના છે, ઈશ્વરની સજા નથી. જીવન માત્ર, આ ભૌતિક જગત જેમાં પ્રત્યેક વસ્તુ તેના વિરોધ સાથે અસ્તિત્વમાં રહેલી છે, એ કુદરતી બળોનું મેદાન છે, એ જન્મ લીધેલા આત્માઓ માટે સુખ અને દુ:ખ ભોગવવાનો વર્ગ છે, ઉત્તેજના અને માનસિક ઉદાસીનતા, સફળતા અને નિષ્ફળતા, સ્વાસ્થ્ય અને બીમારી, સારા અને નરસા સમયનો અનુભવ. દૈવી સ્વરૂપો જે ઉચ્ચ કક્ષાની ચેતનામાં હોય તે હમેંશા પૃથ્વી પરના આત્માઓને તેમના સંસારની મુસાફરીમાં મદદ કરવા તૈયાર હોય છે. પૂજા પાઠ તેમને મનાવવા કે તેમનો ક્રોધ ટાળવા માટે નહીં પરંતુ પ્રેમ અને આદર પૂર્વક તેમનું બહુમાન કરવા, સાક્ષી તરીકે પ્રાર્થનામાં બોલાવી તેમના આશિર્વાદ અને પ્રેરણા લેવા માટે કરવામાં આવે છે.

ધાર્મિક કર્મકાંડ દ્વારા સંતુષ્ટ કરવાના આશયનો હેતુ ધાર્મિક ગ્રંથોમાં રહેલો છે, નકારાત્મક શક્તિ અને અપાર્થિવ પ્રકૃતિઓ જે પૃથ્વી પરના જીવોને હેરાન કરતા હોય તેમનાથી સંરક્ષણ મેળવવા. ગુરૂદેવે શીખવ્યું કે આવા દૂષ્ટ જીવોથી રક્ષણ મેળવવાનો સૌથી સારો રસ્તો એક હકારાત્મક આધ્યાત્મિક ક્ષેત્ર ઉભુ કરી ઉંચા અને વધારે શક્તિમાન, દયાળુ અને મદદકર્તા જીવો- જે હિન્દુ ધર્મ ના દેવો છે તેમને સાક્ષી તરીકે પ્રાર્થનામાં બોલાવી રક્ષણ મેળવવાનો છે. અપાર્થિવ જીવો જ્યાં સુમેળ, સ્વચ્છતા અને ઈશ્વર અને તેમના દેવો સાથે ગાઢ સંબંધ હોય ત્યાં અશક્તિમાન થઈ જાય છે.

એ પ્રવાસ દરમિયાન એક યુવકે આગળ આવીને ઉત્સાહપુર્વક પૂછ્યું, “શું મારે બધા દેવોની મંદિરમાં પૂજા કરવી જરૂરી છે? કે માત્ર ભગવાન ગણેશ પર મારાથી ધ્યાન આપી શકાય? મારું માનવું છે કે અકાગ્રતાથી તેમનું ધ્યાન ધરવાથી હું તેમની નજીક હોવું તેવી લાગણી થાય છે. એક સંબંધ બંધાઈ રહયો છે જે કોઈ બીજા દેવ સાથે પહેલા બન્યો નથી.”

મેં હકારાત્મક જવાબ આપ્યો, એક માત્ર દેવ ઉપર ધ્યાન ધરવું એ યોગ્ય છે. આમ તો આ પધ્ધતિ મોટા ભાગના હિન્દુઓ અપનાવે છે. આમ છતાં, એ જરૂરી છે કે જ્યારે મંદિરમાં હોઈએ ત્યારે, બધા દેવતાઓને માન આપી કદર કરવી. મેં કહ્યું, “જ્યારે બીજા દેવોની પૂજામાં હાજરી આપતા હોઈએ ત્યારે, ખરા દિલથી અને ખૂબ માન સાથે આદર બતાવો, પરંતુ તમારે તેમની સાથે ભગવાન ગણેશ સાથે હોય તેઓ અંગત સંબંધ બાંધવાની જરૂર નથી.”

સંસ્કૃતમાં, વ્યક્તિનો ભક્તિભાવ જે દેવ પર હોય તેને ઈષ્ટદેવ કહેવાય, તેનો અર્થ, “જેનો દિલથી સ્વીકાર કર્યો હોય તેવા દેવ.” વૈષ્ણવ પંથમાં તેઓ કોઈ એક દૈવી પુરુષને પસંદ કરી શકે : વિષ્ણુ, બાલાજી, કૃષ્ણ, રાધા, રામ, લક્ષ્મણ, લક્ષ્મી, હનુમાન અને નરસિંહ તેમજ શાલિગ્રામ. (કાળા રંગનો પથ્થર જે પવિત્ર નદી ગંડકીમાંથી નીકળ્યો હતો). સ્માર્ત પંથમાં ઈષ્ટદેવ આ છ દેવોમાંથી પસંદ કરાય: શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને કુમારા. સ્માર્ત પંથવાળા જેઓ શક્તિ કે દેવી ને ભજે છે, તેઓ તેના કોઈ એક સ્વરુપ પર ધ્યાન આપે, જેમકે પ્રકોપ ધારણ કરતી કાલિકા હોય કે દયાળુ અને સુંદર પાર્વતી કે અંબિકા. શિવ ભક્તો ખાસ કરીને શિવ ની પૂજા કરે, જે શિવલિંગ, નટરાજ કે અર્ધ્નારેશ્વર ના રૂપમાં હોય છે. ઘણા શિવમાર્ગીઑ ભગવાન કાર્તિકેય ને ઈષ્ટદેવ તરીકે પસંદ કરે છે જે મુરુગન કે સ્કન્ધ ના નામે ઓળખાય છે. મારા ગુરૂદેવ, જેઓ ચુસ્ત શિવ ભક્ત હતા, એમણે અમને શિવની પરમેશ્વરના રૂપે આરાધના કરતા શીખવ્યું જ્યારે શરુવાત ભગવાન ગણેશની ભક્તિથી, “જે ભગવાન ભૌતિક લોકની ચેતાનથી સૌથી નજીક છે, જેમનો સંપર્ક સરળતાથી સાધી શકાય છે અને જેઓ આપણા રોજીંદા જીવનમાં મદદ કરે અને ચિંતા દૂર કરે છે.”


મિત્ર સાથેની સમાનતા અનુરૂપ છે. યુવાનોના ઘણા મિત્રો હોય છે, પરંતુ સામાન્ય રીતે એક ખાસ મિત્ર જરૂર હોય જેની સાથે આપણે આપણી અંગત અને ખાનગી વાતો વ્યક્ત કરી શકાય. એક ઈષ્ટદેવ હોવા તે આ રીતે સરખું જ છે, તે દિવ્ય પુરુષ સાથે એક ખાસ મિત્ર તરફ હોય તેવી જ લાગણી હોવી જોઈયે. એકાગ્ર થઈ ધ્યાન આપવાથી તે ઈષ્ટદેવની નજીક લઈ જવામાં મદદ કરે છે.

બીજી એક રીત જે ઈશ્વરના દયાળુ સ્વભાવને સમજવામાં અને આપણો ભય દૂર કરવામાં મદદરૂપ થાય છે તે દેવ-દેવીઓને માતા-પિતા તરીકે અને આપણે તેમના સંતાન છીએ તેવું વિચારવાનો છે. ખરેખર તો, ઈશ્વર એક પરિપૂર્ણ માતા-પિતા છે, કારણ કે ભલે આપણે ગમે તે કરીએ, તે આપણને હમેશાં પ્રેમ અને આશિર્વાદ આપે છે. જ્યારે આપણે ભુલ કરીએ તો કદાપી ક્રોધ કે સજા નથી આપતા. ઈશ્વરનો પ્રેમ એ સંપૂર્ણ છે, દરેક વખતે, કોઈ પણ સંજોગોમાં, દરેક વ્યક્તિ માટે રહેલો છે. ઈશ્વર ની નજીક આવી આપણે તેમના પરિપૂર્ણ પ્રેમ પ્રત્યે સભાન થઈએ છીએ અને તેમાં રચ્યા પચ્યા રહીયે છીએ. તિરૂમંતરમ આ વિચારનો એકરાર કરે છે. “અણસમજુ મૂર્ખામીમાં કહે કે પ્રેમ અને શિવ બે જુદા છે, પરંતુ તેઓ જાણતા નથી કે પ્રેમ એજ શિવ છે. જ્યારે માણસો એ સમજે કે પ્રેમ અને શિવ એક જ છે, શિવના પ્રેમ જેવા તેઓ હમેંશા બની રહે.”

ઈશ્વરના પ્રેમ વિશેના પ્રવચનમાં હું અવારનવાર વૈષ્ણવ અને શૈવ માર્ગના ખ્યાલોની સરખામણી વિશે વાત કરું છું. વૈષ્ણવ માર્ગના ચૈતન્ય પ્રથામાં, દાખલા તરીકે ભક્તિને પાંચ તબક્કામાંથી પસાર થઈને વિકસતી બતાવી છે: ઈશ્વર પ્રત્યે અપક્ષતા, દાસત્વ, ઈશ્વર સાથે મૈત્રી, ઈશ્વર પ્રત્યે હેત અને ઈશ્વરની સાથે પ્રેમી તરીકેનો સંબંધ. શૈવ માર્ગ પણ આવા સમાંતર વિચારો ધરાવે છે. પહેલા તબક્કાને દાસ માર્ગ, જેમાં આત્મા નો ઈશ્વર સાથેનો એક નોકર નો તેના માલિક સાથે હોય તેવો સંબંધ. બીજા તબક્કામાં, સત્પુત્ર માર્ગ, જેમાં સંબંધ એક બાળકનો તેના માતા પિતા સાથે હોય તેવો સંબંધ. ત્રીજા તબક્કામાં, સખા માર્ગ- ઈશ્વર સાથે મિત્ર તરીકેનો સંબંધ. અને ચોથા પરિપક્વ તબક્કામાં, જેને સન માર્ગ કહેવાય અથવા તો સાચો માર્ગ. ઈશ્વર આપણો સૌથી વહાલો પ્રેમી. બન્ને પન્થો એ આત્માના ઈશ્વરની નજીકના સંબંધ પર ખૂબ મહત્વ આપે છે, જે ભક્તિ યોગથી શરૂ થઈ, ઈશ્વર પ્રત્યે તીવ્ર પ્રેમ તરફ લઈ જાય છે. કેટલીક સામાન્ય ભક્તિની રીતો છે:

૧. શ્રવણ: પવિત્ર ધાર્મિક ગ્રંથો અને ઈશ્વરની વાતોનું શ્રવણ
૨. કિર્તન: ભક્તિભાવ વાળા ભજન કે સ્તોત્રો ગાવું
૩. સ્મરણ: ઈશ્વરનું નામ અને હાજરી ને યાદ કરવા. આમા મંત્ર જાપ નો સમાવેશ થાય છે.
૪. પાદ-સેવન: પવિત્ર પગ પ્રત્યે આદર, જેમાં માનવજાતિ ની સેવા કરવાનો સમાવેશ થાય છે.
૫. અર્ચના: મંદિરમાં થતી વિધિસરની પૂજામાં હાજરી આપવી અથવા પોતાના ઘરમાં પૂજા કરવી.
૬. વંદના: ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા
૭. આત્મ-નિવેદના: પોતાની જાતનું પૂરેપૂરું સમર્પણ

ભક્તિ યોગના લીધે એવા ગુણો નીખરે છે જેનાથી સહભાગિતા શક્ય બને છે, જેમ કે પ્રેમ, નિ:સ્વાર્થતા, પવિત્રતા, તેના થકી પોતાની જાતને ભૂલી, ભગવાનને શરણે કરવી. આ એક શરણ થવાની જરૂરીયાતના વિચાર, પ્રાપત્તિ, માં દરેક પંથના લોકો એકરૂપ થઈ જાય છે. આપણને પ્રાપત્તિ મળી છે તેનો અહેસાસ ત્યારે થાય જ્યારે આપણે સ્વભાવિક રીતે માનીએ કે જે કાંઈ થાય છે તે ઈશ્વરની મરજી અને કૃપાને લીધે, નહીં કે આપણા પોતાના પ્રયાસ થકી. આવી આરાધાનમાં ભય નો કોઈ અંશ પણ ન હોય.

પરમગુરુ યોગાસ્વામીએ એક યુવાનને પત્રમાં એકરૂપતા નું પ્રમાણ માત્ર ઈશ્વર તરફ જ નહીં પરંતુ દરેક વસ્તુ તરફ રાખવા કહ્યું: “હું તારી સાથે છું અને તું મારી સાથે. આપણી વચ્ચે કોઈ અંતર નથી. હું તું છું અને તું હું છે. તો ભય શાનો? જો, મારું અસ્તિત્વ તારા થકી છે, તો આપણે શું કરવું જોઈએ? તારે જરૂર પ્રેમ કરવો જોઈએ. કોને? દરેક વ્યક્તિને. આ વાતને વિસ્તૃત કરતા કહું કે તારો સ્વભાવ માત્ર પ્રેમ છે. માત્ર તું જ નહી, પણ બધા પ્રેમમાં ડૂબેલા છે. પરંતુ કોઈ “બધા” છે નહીં, કેમ કે તું એકલો જ અસ્તિત્વ ધરાવે છે. તું જ સર્વ છે.”