Read this article in:
English |
Gujarati |
Hindi |
Marathi |
Russian |
Spanish |
Tamil

હિન્દુ વલણ એ છે કે દિવ્યતા બધામાં રહેલી છે. મારા ગુરુના ગુરુ, શ્રીલંકાના યોગાસ્વામી નો અભિગમ આ વિચારને ખૂબ જ સરળ રીતે વ્યક્ત કરે છે. ” દરેક વ્યક્તિને ભગવાન તરીકે જુઓ. એમ ન કહો કે ‘આ વ્યક્તિ લૂંટારો છે કે આ વ્યક્તિ લંપટ છે કે આ વ્યક્તિ દારુડીઓ છે.’ આ વ્યક્તિ ભગવાન છે, તે વ્યક્તિ ભગવાન છે, ભગવાન દરેકમાં છે. દિવ્યતાનું બીજ જરૂર છે. તે જુઓ અને બાકીના પર ધ્યાન ન આપો.” એવું કશું નથી જેના માં દિવ્યતા ન હોય- અને કોઈ કાયમી નરકમાં ભરાઈ પડતું નથી. તે વાત હિંમત આપે છે. ખરું જોતા તો સવાલ એ છે કે વ્યક્તિની દિવ્યતાની પ્રકૃતિ કયારે અભિવ્યક્ત થશે? એ કદાચ થોડા જન્મ પછી વ્યક્ત થાય. ખરેખર, આધ્યાત્મિક જીવન એ ધીમી અને કઠોર પ્રક્રિયા છે.

મારા ગુરુ સિવાય સુબ્રમુન્યસ્વામી એ આધ્યાત્મિક જીવનના વિકાસને સમજાવવા ખૂબ ઉંડી સમાંતરતા બતાવતો દાખલો આપ્યો. તેમણે કમળ નું ઉદાહરણ આપ્યું, જેમ કે તેનું બીજ તળાવના કાદવ માં હોય છે. તેના મૂળ માંથી ઉગીને દાંડી પાણીમાંથી નીકળી વાતાવરણ માં આવે છે. દાંડીમાંથી કળી નીકળે છે, શરુવાતમાં નાનકડી, જે ફુલ માં વિકસી તેની નાજુક પાંખડીઓ સૂર્ય તરફ ખોલે છે. અંદર ના મધુર રસ અને પરાગ દ્વારા મધમાખીને બોલાવે છે. ગુરૂદેવ આ પ્રક્રિયાની માણસના સ્વભાવ અને આધ્યાત્મિક વિકાસ સાથે સરખામણી કરે છે. કાદાવ એ સહજવૃતિ વાળું મન. આપણે બધા શરુવાત કાદવમાં કરીએ છીએ એક અથવા બીજા જન્મમાં. આપણા શરુવાતના વિકાસ દરમિયાન આપણે અસંસ્કારી અને લાગણીહીન હોઈએ છીએ. આપણે બીજાને દુઃખી કરીએ, બીજાના કરતા પોતાના વિશે વધારે વિચારીએ. કદાચ આપણે જેલ માં પણ ભરાઈ પડીએ. આપણે બધા શરુવાત નીચેથી કરીએ, મૂળમાં, સહજવૃત્તિવાળા મનના અંધકારમાં, ચીનાઈ માટીની દુકાનમાં ટક્કર લેતા આખલાણી જેમ.

એક પછી એક જીવનમાં આપણે જ્ઞાન મેળવીએ. છેવટે આપણે આપણા સહજ સ્વભાવ ઉપર કાબુ મેળવી ઉપર પાણી તરફ પ્રયાણ કરીએ. જે આપણું બુદ્ધિગમ્ય માનસ છે. આપણે વિચારશીલ વ્યક્તિ બનીએ, જે નિર્ણયો બુદ્ધિપૂર્વક લે છે, જેણે પોતાના સહજવૃત્તિ માનસ પર કાબુ મેળવ્યો છે જેથી કરીને જ્યારે ધમકીનો સામનો કરવાનો હોય ત્યારે તે સ્વભાવિક રીતે ગુસ્સે કે ઝગડો કરતો નથી.

આ દરમ્યાન આપણે સહજવૃત્તિ-બુદ્ધિગમ્ય વ્યક્તિ છીએ, થોડો વખત આપણા પાશવીવૃત્તિ વાળા મનના કાદવમાં અને થોડો વખત આપણા બુદ્ધિગમ્ય સ્વભાવના જળમાં રહીએ છીએ. આવી વ્યક્તિને ઈશ્વરનું જ્ઞાન કે જિંદગીની પવિત્રતા વિષે કોઈ સમજણ હોતી નથી. આ દુનિયા આવા લોકોથી ભરેલી છે. નાસ્તિક, ભૌતિકવાદી અને અસ્તિત્વનું પ્રતિપાદન કરવા વાળા. તેઓ જિંદગીના આધ્યાત્મિક લક્ષ્ય તરફ બેદરકાર હોય છે, તેની અપેક્ષા આ જન્મમાં શકય નથી.

પછી શું થાય છે? દાંડી પાણીની સપાટી પરથી બહાર આવે છે. પાણીમાંથી બહાર નીકળી હવામાં ઉપર આવે છે, જે આધ્યત્મિક્તા નું પ્રતીક છે, આપણું અંતરજ્ઞાન કે ઈશ્વરના અસ્તિત્વનું નિરૂપણ. આપણે ઈશ્વરભક્તિ વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ; આપણે આધ્યાત્મિક અભ્યાસ તરફ ધ્યાન આપવા માંડીએ. માત્ર પ્રાકૃતીક કે બૌદ્ધિક વ્યક્તિ બનીને, સામાન્ય લક્ષ્ય રાખી ભૌતિક જગતનો પીછો કરવાનું સંતોષ નથી આપતું. પરંતુ કળી હજુ બંધ છે, ખૂલવાની અને સંપૂર્ણ વિકાસની વાર છે. બંધ કળીને ખબર છે કે ઈશ્વર નો નિવાસ ક્યાંક છે, પરંતુ તેમની સાથે કોઈ સીધો સંપર્ક નથી.

કળી ને કોણ ખોલે છે? એક પછી એક જીવનમાં મેળવેલાં જ્ઞાન અને પરિપક્વતા, આત્મજ્ઞાનીઓની કૃપા, ઈશ્વરના આશીર્વાદ અને આધ્યાત્મિક અભ્યાસ. કળી ને ખોલવા માટે આપણે સજાગ રહીને ખૂબ પ્રયત્ન કરવો પડે.

હિન્દુ ધર્મ આપણને ધાર્મિક અભ્યાસ માટે ચાર જુથમાં વહેંચાય તેવી જરૂરીયાતો દર્શાવે છે. પહેલું, સારું અને સરળ વર્તન, ચારિત્ર્ય નું ઘડતર એ ચાર્ય, જે ઉંડા અભ્યાસ માટે આધારભૂત છે. બીજું, એ નિસ્વાર્થ સેવા અથવા કર્મ યૉગ- જ્યારે મદદ કરવાની જરૂર ન હોય ત્યારે બીજા માટે કરી છુટવું.- હું તેની આ વ્યાખ્યા આપું છું. જો આપણી ઓફિસ માં આપણે કોઈના માટે આપણા દિલની ભલાઈ ને લીધે જે કરીએ તેને સેવા કહેવાય. સેવા માત્ર મંદિર કે આશ્રમમાં જ કરવી જરૂરી નથી. જો આપણે કામે જઈએ અને માત્ર જેમાં પૈસા મળે તેટલુંજ કામ કરીએ, તેમાં કોઈ સેવા થતી નથી.

ત્રીજું એ ભક્તિ અને ધાર્મિક્તાનું આચરણ. જે આપણે મંદિરમાં તેમજ ઘરમાં રહેલા મંદિરમાં વ્યક્ત કરીએ. ઘરમાં પૂજાનો અલગ ઓરડો રાખવો અને દરરોજ પૂજા કરવી એ જરૂરી છે. ચોથું પગલું એ ધ્યાન. ધ્યાન એ ખૂબ આગળ પડતું હોવાથી ગુરુની મદદ તેની સફળતા માટે જરૂરી છે. મોટા ભાગના લોકો જેમની સાથે હું વાત કરું તે કહે છે ” હું ધ્યાન માટે પ્રયત્ન કરું છું પરંતુ મારા વિચારો પર કાબુ રહેતો નથી.” તેમની પાસે ગુરુ નથી. તેમને કોઈએ વ્યક્તિગત રીતે ધ્યાનની કળા શીખવી નથી. પોતાની જાતે ધ્યાન શીખવું એ વ્યક્તિ માટે અસામાન્ય છે.

આમ ચાર પગલાંનો અભ્યાસ છે, સારું ચારિત્ર્ય, સેવા, ભક્તિ અને ધ્યાન. જ્યારે તમે આમાંથી કેટલીક જરૂરીયાતો નો નિયમિત રીતે અભ્યાસ કરો ત્યારે શું થાય છે? કળી ધીમે ધીમે ખીલી ઉઠે છે. તમારી દિવ્યતા, જે ચુપચાપ પ્રતીક્ષા કરી બીજમાં સમાઈ હતી, તે ખીલવા લાગે છે.

ઘણા પશ્ચિમના વિચારો અને લક્ષ્યો એ દ્રષ્ટિકોણ પર આધારિત હોય છે કે માત્ર એક જ જિંદગી હોય છે- અથવા તો કદાચ એક માત્રજિંદગી હશે- તો જે બધુ થઈ શકે તે આજ જીવનમાં કરી લો. તે પ્રમાણે તો ઈશ્વરનો સાક્ષાત્કાર આ જીવનમાં કરવો રહ્યો. હિન્દુ વલણ એ પુનર્જન્મ પર દ્રઢ વિશ્વાસ રાખે છે, ” મને ખબર છે કે હું પાછો આવીશ, કોઈ ઉતાવળ નથી. હું આ જીવનમાં જેટલું બની શકે તેટલું કરીશ, બાકીના વિકાસ માટે ઘણો સમય છે.” હિન્દુ અભિગમ એ છે કે દરેક જિંદગીમાં આધ્યાત્મિક વિકાસ કરવો- કળી ને થોડી ખીલવવી. આપણે દ્રઢતાથી અભ્યાસ કરી આગળ વધવા માટે સંતુષ્ટ છીએ, જે તીવ્રતા આપણે જાળવી શકીયે તે મુજબ, ઉતાવળ કર્યા વગર, ઓછું પડવાના ભય સિવાય. આપણને એ વાતની ખાત્રી છે કે દિવ્યતાનું બીજ આપણા બધામાં છે.

હિન્દુ ધર્મ આ વિચારને એક ડગલું આગળ લઈ જાય છે: છેવટે દરેક વ્યક્તિને ઈશ્વરનો શાક્ષાત્કાર થશે, પોતાની અંદર રહેલી દિવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ. શ્વેતસ્વતર ઉપનિષદ કહે છે, ” જે આત્માની સચ્ચાઈથી, આંતરિક શાક્ષાત્કાર ને પામે છે, તે ઈશ્વરના સ્વરૂપને પ્રકાશ રૂપે પામે છે, જે ઈશ્વરનો અનુભવ કરે કરે છે, અચળ, જન્મથી મુક્ત, બધા સ્વરૂપો થી બંધનરહિત, તે બધા કારાવાસ થી મુક્ત થાય છે.” આ ખૂબ જ અલગ છે, જે માન્યતા પશ્ચિમમાં પ્રચલિત છે તેના અનુસંધાનમાં. તેમાં ઈશ્વર સ્વર્ગમાં છે અને પૃથ્વી પરની વ્યક્તિ થી તેનો અનુભવ ન થઈ શકે. ગુરૂદેવ હમેશા ઈશ્વરની નિકટતા પર કહેતા, “ઈશ્વર આપણી ખૂબ નજીક છે. એ આપણા શ્વાસ કરતા પણ નજીક છે, આપણા હાથ અને પગ કરતા પણ નજીક. ખરેખર, એ આપણા આત્માંનું મુળભુત તત્વ છે.”

કમળ સાથેની સમાનતા પર પાછા આવીએ. જ્યારે કમળ નું ફુલ બરાબર ખૂલે ત્યારે આપણે આપણા આધ્યાત્મિક સ્વભાવમાં જીવવાનું ચાલુ કરીએ છીએ. ચાલો એ પ્રશ્ન પૂછીએ, ” એ શું છે કે જે આધ્યાત્મિક વિકાસ કરે છે? એ શું છે કે જે ખીલે છે?” એ આત્મા છે. આધ્યાત્મિક વિકાસ વિષે વિચારવામાં એ જરૂરી છે કે આત્માના સ્વભાવને સમજીએ. આપણે આત્માના શરીર અને તત્વનો તફાવત સમજીએ. તત્વ એ બે પ્રકારનું છે. પરિવર્તન વિનાની શુધ્ધ ચેતના અને સંપૂર્ણ અસ્તિત્વ જે અનુભવની મર્યાદાને ઓળંગી જાય છે, સમય અને અંતરિક્ષથી પર. આ અવિનાશી આત્માનું શરીર જેને સંસ્કૃતમાં આનંદમય કોષ (સ્વર્ગ સુખનું આવરણ) કહે છે. આમ આત્માનું શરીર, જે કમળ ના ફૂલની જેમ ખીલે છે. આત્માનું તત્વ, જે નિરંતર રૂપે સંપૂર્ણ છે તે ઈશ્વર સાથે એકરૂપ છે.

જેમ આપણું શરીર બાળક માંથી યુવાન બને છે, તેમ આ પૂર્ણ તેજસ્વી પ્રકાશ રૂપી આત્માનું શરીર તેના તેજ અને જ્ઞાનમાં વિકાસ પામે છે, એક પછી એક જીવનમાં, ધીમે ધીમે તેના આંતરિક જ્ઞાનતંતુઓને મજબુત કરી, ઈશ્વર તરફની અજ્ઞાનતા દૂર કરી, ઈશ્વરનો શાક્ષાત્કાર કરે છે.

ગુરૂદેવ પોતાનો રહસ્યમય અનુભવ “મર્જીંગ વિથ શિવ” માં વર્ણવે છે. ” એક દિવસ તમે તમારું અસ્તિત્વ જોશો, તમારું પવિત્ર આત્માનું શરીર. તમે તેને તમારા શરીરની અંદર જોશો. એ એક પારદર્શક સ્વચ્છ પ્લાસ્ટીક જેવું દેખાશે. તેની આસપાસ ભૂરા રંગનો પ્રકાશ અને તેની બહારની બાજુ સફેદ અને પીળા રંગની કિનારી. અંદરનો ભૂરો-પીળો પ્રકાશ, જેમાં અબજો જ્ઞાન તંતુઓ રહેલા છે, તેમાંથી પ્રકાશ ચમકે છે. આ શરીર એક કમળ ના ફૂલ પર ઉભું છે. તમારા શરીરની અંદર નીચે પગ તરફ જોતાં, તમને દેખાશે કે તમે એક મોટા સુંદર કમળ પર ઉભા છો. આ શરીરને માથું છે, આંખો છે અને અમર્યાદ બુદ્ધિ છે. તે દરેક શક્તિના મૂળ સાથે સક્લાયેલું છે અને તેમાંથી પોષણ મેળવે છે.

આધ્યાત્મિક વિકાસનું એક બીજું પાસું પણ છે. કોઈ એક હિન્દુ સંત, સ્વામી કે યોગી ને પસંદ કરો, જીવતા કે જીવીત ન હોય તેવા, જેણે તમારા મતે સૌથી વધુ આધ્યાત્મિક પ્રાપ્તિ મેળવી હોય. હવે કલ્પના કરો અને એ વિચારને કબૂલ કરો કે તે સંતપુરુષની સિધ્ધિ એ તમારી પોતાની સાંભવ્યતા છે. એ એક આશ્ચર્યજનક સત્ય છે. જિંદગીમાં ક્યારેક ભવિષ્યમાં તમે પણ, બીજાએ પ્રાપ્ત કરેલી આધ્યાત્મીકતા ની સફળતાને તમારી જિંદગીમાં સમર્થ કરી શકો. કદાચ આ વિચાર તમને પ્રોત્સાહિત કરે, તમારા આધ્યાત્મિક અભ્યાસમાં થોડો વધુ પ્રયાસ કરવા માટે! આખા કમળને સુંદર સંપૂર્ણ ખીલેલું કલ્પના કરો- તે તમારી સંપૂર્ણ, તેજસ્વી આધ્યાત્મિક શક્યતા છે.

સાચે જ, એ શક્યતા ત્યારે જ વાસ્તવિકતામાં પરિવર્તીત થાય જ્યારે તમે ખૂબ પ્રયત્ન કરો. જો તમે તમારી શોધમાં ગંભીર હોવ, તો તમારી જાતને આ પ્રશ્નો પૂછો: હું આ ચાર જરૂરીયાતો ને મારી જિંદગીમાં કેવી રીતે લાગુ પાડુ છું? સારુ ચારિત્ર્ય? સેવા? ભક્તિ?, ધ્યાન અને યોગ? મારે ક્યાં વધુ કાળજી અને પ્રયાસની જરૂર છે? મારે સુધારા માટે શું કરવું જરૂરી છે? પછી તે અમલમાં મૂકો.